Media Mentions: આંતર-સંસ્થાકીય કોવિડજ્ઞાન (CovidGyan) વેબસાઇટનો પ્રારંભ

એપ્રિલ ૩, ૨૦૨૦

આ સંકટભર્યા સમયમાં

કોવિડ-૧૯ (નૉવેલ કોરોનાવાયરસ n-CoV/SARS-CoV-2 થી થતી બીમારી) નો વિશ્વવ્યાપી રોગચાળો ખરેખર અણધાર્યો છે. હાલમાં વિશ્વનાં ૧૦ લાખથી પણ વધારે લોકો તેના ચેપનો શિકાર બન્યાં છે. બેશક, તપાસ કર્યા-વગરના વાસ્તવિક કેસોની સંખ્યા તો ઘણી વધારે હશે. આ આપત્તિ ભર્યા સમયમાં આગળ પડતાં યોદ્ધાઓ તો ડોક્ટરો, નર્સો અને અન્ય સહાયક આરોગ્ય કર્મચારીઓ જ છે. પણ આમની પાછળ હજારો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો, અભૂતપૂર્વ રીતે કામ કરી રહ્યા છે. એક-બીજાનાં સહયોગથી તેઓ, કોરોનાવાયરસ આપણા શરીરમાં પ્રવેશી કઈ રીતે વર્તે છે, તેનો ફેલાવો કઈ રીતે થઇ રહ્યો છે, ચેપગ્રસ્ત લોકોમાં તેનું નિદાન કઈ રીતે કરી શકાય તેમજ કોરોના સામેની આપણી લડાઈ ને સફળ બનાવવા નવીન-ટેકનોલોજી નો ઉપયોગ અને શારીરિક અંતર રાખીને કઈ રીતે તેની સામે લડી શકાય વગેરે સમજવાનાં પ્રયત્નોની સાથે સાથે કોવિડ-૧૯ અંગે ઉપલબ્ધ માહિતીનું સચોટ વિશ્લેષણ પણ કરી રહ્યા છે.

 

“કોવિડજ્ઞાન” શું છે?

કોવિડ-૧૯ સંદર્ભે વિશ્વનાં દરેક ખૂણેથી સર્જાયેલા માહિતીનાં પ્રચંડ પ્રવાહે એક સમસ્યા ઉભી કરી છે. હાલનાં સમયમાં એ ખુબ જરૂરી બન્યું છે કે વિશ્વસનીય માહિતીનું સંકલન કરીને, તેને ખોટી માહિતીઓથી અલગ તારવવી. આ લક્ષ્યને ધ્યાનમાં લઇને જ એક બહુભાષીય વિજ્ઞાન સંચાર (સાયન્સ કૉમ્યુનિકેશન) ની પહેલ(શરૂઆત) કેટલીક ભારતીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે, જેનું નામ છે "કોવિડજ્ઞાન". આ પહેલ કરનાર જનક સંસ્થાઓમાં તાતા મૂળભૂત અનુસંધાન સંસ્થાન / ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ભારતીય વિજ્ઞાન સંસ્થાન / ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) અને ટાટા મેમોરિયલ સેન્ટર (TMC)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રસાર, ઇન્ડિયા-બાયોસાયન્સ અને બૅંગલોર લાઈફ-સાયન્સ ક્લસ્ટર (BLiSC, જેમાં NCBS-TIFR ની સાથે inStem અને cCAMP નો પણ સમાવેશ થાય છે) આ ઉપક્રમનાં અગ્રણી ભાગીદારો છે. આ ઉપક્રમનાં ભાગ રૂપે જ “કોવિડજ્ઞાન” વેબ-સાઈટ: https://covid-gyan.in (https://covid-gyan.in) ની શરૂઆત કરવામાં આવી છે.

Infographics that address rumours and provide factual data can be found on the site.

કોવિડજ્ઞાન વિષે વૈજ્ઞાનિકો નું શું કહેવું છે:

ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થીઓરેટીકલ સાયન્સીઝ (ICTS), બૅંગલોરનાં નિદેશક (ડિરેક્ટર) પ્રોફ. રાજેશ ગોપાકુમાર, આ પહેલનાં કોઓર્ડીનેટર છે. પ્રોફ. રાજેશ ગોપાકુમારનાં મત અનુસાર, કોવિડજ્ઞાન પહેલનું ધ્યેય છે, "વૈજ્ઞાનિક રીતે વિશ્વસનીય અને પ્રમાણિત કોવિડ-૧૯ ને લગતા સાહિત્ય અને સંસાધનોને તૈયાર કરવા અને લોકો સુધી તેને પહોંચાડવા." તેઓ ભાર મુકતા જણાવે છે કે આ વેબસાઈટનો મુખ્ય ઉદેશ્ય સામાન્ય નાગરિકો અને વૈજ્ઞાનિક બાબતોનાં જિજ્ઞાસુ લોકોને આ વિષયમાં થતા સંશોધનો થી માહિતગાર રાખવાનોં છે.
 

નેશનલ સેંટર ફોર બાયોલોજિકલ સાયન્સીઝ (NCBS)નાં કેન્દ્ર નિદેશક (સેન્ટર ડિરેક્ટર), પ્રોફ. સત્યજિત મેયર જણાવે છે કે, એમની સંસ્થામાં વાયરસથી માંડીને, આપણે જેમાં વસવાટ કરીએ છીએ તે, ઇકોસિસ્ટમ જેવા બાયોલોજીનાં દરેક સ્કેલ પર સંશોધન કરવા માટે જરૂરી કુશળતા, જ્ઞાન અને અનુભવ છે. આ સાથે તેઓ ઉમેરે છે કે, “અત્યારે કોવિડ-૧૯ની મહામારીનાં કટોકટી ભર્યા સમયમાં એ અત્યંત જરૂરી છે કે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેના સમગ્ર પરિપ્રેક્ષ્ય ને સમજવા માટે અને આ સંકટ ભરી પરિસ્થિતિનોં ઉકેલ મેળવવા માટેનાં યોગ્ય ઉપાયો શોધવા આપણી પાસે રહેલી જૈવ વિદ્યાકીય ગહન વૈજ્ઞાનિક સમજણનોં ઉપયોગ કરીએ.”

 

TIFR મુંબઈના વિજ્ઞાન સંચાર (સાયન્સ કૉમ્યુનિકેશન) કાર્યક્રમ "ચાઇ એન્ડ વાઇ? (Chai and Why?)” ના સંચાલક પ્રોફ.અર્ણબ ભટ્ટાચાર્યનું કહેવું છે કે આજના સમયમાં કોવિડ-૧૯ અંગે એટલી બધી ખોટી ખબરો અને માહિતીઓ પ્રસરી રહી છે કે વૈજ્ઞાનિક તથ્યોના આધારિત વિશ્વસનીય માહિતીને ફેલાવવાની તાત્કાલિક જરુરુયાત ઉભી થઇ છે. આપણે અહીં એ સ્વીકારવું રહ્યું કે, જેમ કલાઇમેટ ચેન્જ (પર્યાવરણીય બદલાવ) ના કેસમાં બન્યું તેમ, જો વિજ્ઞાન ને અવગણવા માં આવે તો જે-તે સમસ્યાની તીવ્રતા વૈશ્વિક સ્તર સુધી સઘન બને. આવી પરિસ્થિતિ કોવિડ-૧૯ના સંદર્ભમાં ના સર્જાય માટે જ ભારત ના ઘણા વૈજ્ઞાનિકોના સામૂહિક પ્રયાસ થકી કોવિડ-૧૯ સંબંધિત માહિતી કોવિડજ્ઞાન ના માધ્યમ થી અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આજ સંદર્ભે, TIFR હૈદરાબાદ ના કેન્દ્ર નિદેશક (સેન્ટર ડિરેક્ટર) પ્રો. વી. ચંદ્રશેખર કહે છે કે, કોવિડ-૧૯ની અસર વિશ્વભરના દેશો પર થઇ છે, અને આ પરિસ્થિતિમાં એ અત્યંત જરૂરી બન્યું છે કે વૈજ્ઞાનિક સમુદાય પ્રવર્તમાન ઉદેશ્યોને પાર પાડવા સાથે મળીને કામ કરે. આ સાથે તેમણે ઉમેર્યું કે, TIFR હૈદરાબાદના વૈજ્ઞાનિકો હાલમાં બીજી અનેક TIFR જૂથ ની અન્ય સંસ્થાઓ ના વૈજ્ઞાનિકો સાથે મળી ને આ દિશામાં સંશોધનો કરી રહ્યા છે.
 

હોમી ભાભા સેંટર ફોર સાયન્સ ઍજ્યુકેશન (HBCSE), મુંબઈના કેન્દ્ર નિદેશક (સેંટર ડિરેક્ટર) પ્રોફ. કે. સુબ્રમણિયમ જણાવે છે કે કોવિડજ્ઞાન અભિયાનની ભાગીદાર સંસ્થાઓ પાસે વૈજ્ઞાનિક સંશોધન, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન શિક્ષણના ક્ષેત્રમાં વિભિન્ન ક્ષમતાઓ રહેલી છે. સંયુક્ત રીતે આ ક્ષમતાઓનો ઉપયોગ પ્રમાણિત અને વિશ્વસનીય માહિતીને સામાન્ય નાગરિકો અને એવા લોકો કે જે આ વૈશ્વિક રોગચાળા સામેની આપણી લડાઈમાં વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યા છે તેમના સુધી પહોંચાડવા માટે કરી શકાય છે. પ્રોફ. સુબ્રમણિયમના મતે, ભારતીય પરિસ્થિતિઓની વ્યક્તિગત જટિલતાને ધ્યાન માં લેતી વિશ્વસનીય વૈજ્ઞાનિક માહિતીનું સ્થાનિકીકરણ કરવું ખુબ જ આવશ્યક છે.
 

કોવિડજ્ઞાનની જરૂરિયાત પર ભાર મુકતા, ડિપાર્ટમેન્ટ ઑફ થીઓરેટીકલ ફિઝિક્સ, TIFR ના પ્રોફ. અમોલ દીધે જણાવે છે કે, કોવિડ-૧૯ દરેકને વ્યક્તિગત રીતે કોઈ ને કોઈ રૂપમાં અસર કરે છે, અને તેની સામેની આપણી લડાઈ ફક્ત તબીબી (મેડિકલ) જ નહિ પરંતુ, સામાજિક સ્તરે પણ છે. માટે જ સમાજના તમામ વર્ગો સુધી ભરોસાપાત્ર માહિતી તેમની માતૃભાષામાં ઉપલબ્ધ હોય તે ખુબ જરૂરી છે. તેઓએ એ પણ જણાવ્યું કે, કોવિડજ્ઞાન બને તેટલી ભારતીય ભાષાઓમાં માહિતી અને સાહિત્યિક સંસાધનો ઉપલબ્ધ કરાવશે, કે જેથી વિજ્ઞાન તેમજ સ્વાસ્થ્ય અને સુખાકારી સંબંધિત માર્ગદર્શન વધુ માં વધુ લોકો સુધી પહોંચી શકે.
 

 

ડૉ. સ્મિતા જૈન, કે જેઓ ઇન્ડિયા-બાયોસાયન્સના કારોબારી સંચાલક છે, તેમણે જણાવ્યું કે કોવિડજ્ઞાન એ પ્રમાણિત માહિતીને એકત્ર કરીને તેમજ ચકાસીને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન છે; જે વૈજ્ઞાનિક સંશોધકો દ્વારા દુનિયાભરથી આવતી માહિતીઓ માંથી વિશ્વાસપાત્ર માહિતીઓ તારવીને તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ડિયા-બાયોસાયન્સ હમેશાં રસપ્રદ અને તદન નવાં જ સમાચાર તેમજ માહિતી સભર લેખો તેમના વાંચકો માટે પોતાની વેબસાઇટ ઉપર પ્રગટ કરતું રહ્યું છે. હવે, કોવિડજ્ઞાન ની સહભાગી સંસ્થા તરીકે ઈન્ડિયા-બાયોસાયન્સ, આ કટોકટીના સમયમાં શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક માહિતી ભારતની વિશાળ જનતાને પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે.

ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc), બૅંગલોરના માહિતી-સંચાર કાર્યાલય (ઓફિસ ઑફ કૉમ્યૂનિકેશન્સ)માં ફરજ બજાવનાર પ્રાધ્યાપક કૌશલ વર્માએ આ લેખનો નિષ્કર્ષ આપતાં જણાવ્યું કે "કોવિડજ્ઞાન" એ નૉવેલ કોરોનાવાયરસ અને તેનાથી થતી બીમારી (કોવિડ-૧૯)ના વિવિધ પાસાં અને માહિતીનો વિશ્વસનીય માહિતી સ્રોત બની રહેશે.

વધુમાં પ્રોફ. રાજેશ ગોપાકુમાર વૈજ્ઞાનિકોના, આ વર્તમાન સંકટમાં - એક તો રસી તથા ઇલાજની શોધ તેમજ વિજ્ઞાન દ્વારા માહિતગાર થતાં અન્ય નિતિમય પગલાંઓ લેવા - એમ બેવડા ફાળા પર ભાર મૂકે છે. આમાનાં કેટ્લાંક પગલાંઓ પાછ્ળની તર્ક-સંગતતા સામાન્ય નાગરિકને સ્પષ્ટ ન થાય તો તેની આકર્ષક રીતે સમજૂતી આપવી પણ વૈજ્ઞાનિકોની જ​વાબદારી છે. કોવિડજ્ઞાન એક એવી પહેલ છે કે જે અસરકારક રીતે વૈજ્ઞાનિકો અને TIFR (ટીઆઇએફઆર) તથા અન્ય સંલગ્ન સંસ્થાના વાકવિદોને (કમ્યુનિકેટર્સ) એક સાથે મળી ને પ્રભાવ પાડવાનું મંચ પૂરું પાડે છે.

કોવિડજ્ઞાન વેબસાઈટ પર સ્થાનિક ભાષામાં નાના માર્ગદર્શક વિડિઓઝ, પોસ્ટર્સ અને આલેખો(ઇન્ફોગ્રાફિક્સ), વારંવાર પુછાતા પ્રશ્નો એટલે કે FAQs, મીથ બસ્ટર્સ (ખોટી ધારણાઓ / માન્યતાઓ તોડનાર લખાણો) અને લેખો સમાવિષ્ટ થશે. જેનું ઘણી બધી ભારતીય ભાષાઓ માં ભાષાંતર કરવામાં આવતું રહેશે. વિવિધ ભાષાકીય સામગ્રી માટે ક્રુપયા થોડા દિવસોમાં મુલાકાત લો.
 

અમારી વેબસાઈટ: https://covid-gyan.in 

૧૨ ભાષાઓ માં વિડિઓઝ:https://covid-gyan.in/videos  
 

કોન્ટેક્ટ(સંપર્ક) ઈમેલ: contact@covid-gyan.in